શિહોદ પુલ બંધ થતા લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબુર : તંત્રના વાંકે લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર

     પાવીજેતપુર પાસે આવેલ શિહોદ ખાતેનો ભારજ નદી પરનો પુલ વધુ વરસાદના કારણે બેસી જતા વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેતા સ્થાનિક પંથકના લોકો જીવના જોખમે ભારજ નદી પસાર કરવા મજબૂર બન્યા છે.

          છોટાઉદેપુર જીલ્લાની જીવાદોરી ગણાતો નેશનલ હાઇવે ૫૬ ઉપરના શિહોદ પાસે ભારજ નદી પર આવેલો પુલનો એક પિલર દશ દિવસ પહેલા બેસી જવાની ઘટના સામે આવી હતી,જેને લઇને વહીવટીતંત્ર દ્વારા પુલને સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો, અને પાવીજેતપુરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી થઈ બોડેલીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે કિલોમીટરની દૃષ્ટિએ લગભગ ડબલ થઈ ગયું છે. સીધા રોડ પર બોડેલી ૧૫ કિલોમીટર જેટલું થાય છે જ્યારે ડાયવર્ઝનવાળા રોડ પર લગભગ ૩૦ કિલોમીટર જેટલું થાય છે.અને ઉપરથી લોકોનો સમય વેડફાઈ રહ્યો છે.

         હાલમાં પાવી જેતપુર તાલુકા શિહોદ, શિથોલ, લોઢન, ઠલકી, વાઘવા, કોલીયારી, સુસ્કાલ, પ્રતાપનગર,ખારીવાર, તેજાવાવ, કુકણા જેવા ગામોને નાનામાં નાના કામ માટે પાવીજેતપુર આવવું પડે છે. પરંતુ રસ્તો બંધ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને લોકોના કામ પણ અટવાઈ રહ્યા છે.

      બીજી બાજુ ધારાસભ્ય અને સ્થાનિક સરપંચો દ્વારા પુલની બાજુમાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવવાની માંગણી કરવામાં આવી છે.પરંતુ વહીવટીતંત્ર દ્વારા પુલની નજીકમાં કોઈ ડાયવર્ઝન નહિ બનાવતા લોકો જીવના જોખમે ભારજ નદીમાંથી પસાર થઈ રહ્યા છે.લોકો મોટી સંખ્યામાં સમય અને પૈસાની બચત થાય તે હેતુથી નદી પસાર કરી રહ્યા છે.

      હાલ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સ્થાનિક જનતાની થઈ રહી છે અને તંત્રના વાંકે સ્થાનિક જનતા પીસાઈ રહી છે.જેથી વહીવટી તંત્ર દ્વારા શીથોલ અથવા લોઢણ ખાતે નદીમાં ભૂંગળા મૂકીને ડાયવર્ઝન બનાવે તે પ્રજાહિતમાં ખૂબ જરૂરી છે.

       આ અંગે નેશનલ હાઇવે વિભાગના ડેપ્યુટી ઇજનેર એમ.આર.શુક્લા ને પૂછતા તેઓએ આજથી ત્રણ પિયર જે ધોવાઈ ગયા છે ત્યાં પથ્થર નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. તેમ જણાવ્યું હતું અને એમને ઉપરથી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ ના મળે ત્યાં સુધી અમે આ પુલ ચાલુ કરી શકીએ તેમ નથી કહીને લોકોની મુશ્કેલી લાંબા સમય સુધી યથાવત રહેવાના એંધાણ આપ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

    બીજી બાજુ છોટાઉદેપુર જીલ્લા વહીવટીતંત્ર પણ હાથ પર હાથ ધરીને બેઠું છે અને લોકોની પીડા જોવા સિવાય કોઈ કામ કરતું નથી જો જીલ્લા વહીવટીતંત્ર ડાયવર્ઝન બનાવી દે તો લોકોની મુશ્કેલી નહિવત થઈ જાય તેમ છે.

        ગાંધીનગર થી અઠવાડિયા અગાઉ કન્સ્ટ્રક્શન અને ડિઝાઇનની ટીમના ઉચ્ચ અધિકારીઓ સિહોદ પુલ ની સ્થળ મુલાકાત લઈ ગયા હોય, સમીક્ષા કરી હોય પરંતુ હજુ સુધી આ પુલમાં કયા કારણથી ખામી સર્જાય છે ? કે શું ખામી છે ? અને તેનો શું ઉપાય છે ? તે અંગેનો કોઈ નક્કર અહેવાલ આવ્યો નથી એ અહેવાલ આવ્યા બાદ જ કોઈ નક્કર કામગીરી કરી શકાય તેમ છે. તંત્ર આ અંગે રસ લઈ યુદ્ધના ધોરણે ઘટતું કરી છોટાઉદેપુર જિલ્લાની રીડ ની હડ્ડી સમાન ગણાતા સિહોદના પુલ ને પુનઃ ચાલુ કરે તે ખૂબ જરૂરી થઈ ગયું છે.