સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા વેપારીને 80 ટન ચોખાના સોદા માટે ગાંધીધામ બોલાવીને 4 શખસે રૂ. 24.60 લાખનો ચૂનો લગાવી દેતા ચકચાર ફેલાઇ હતી. ભોગ બનનાર વેપારીએ જોરાવરનગર પોલીસ મથકે અમદાવાદ, મુન્દ્રા, અંજાર સહિતના 4 શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરેન્દ્રનગરના રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને એસબીઆઈ બેંક રતનપર શાખા પાછળ ગલીમાં 39 વર્ષના વિજયભાઈ રમણીકભાઈ કોશીયા ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન છેલ્લા 20 વર્ષથી ચલાવે છે.અને કરિયાણીની વસ્તુ હોલસેલ તથા રિટેલથી વેચાણ ખરીદીનો વેપાર કરે છે. ત્યારે તા. 7-7-2023 દરમિયાન તેમની સાથે બનેલી ઘટના અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ અમદાવાદના દેવાંગભાઈ પ્રવિણભાઇ દેત્રોજા, કચ્છ ના આદીપુરના ગૌરવભાઈ પ્રકાશભાઈ શાહ, મુંદ્રાના મોટા કપાયના રાજુભાઈ પટેલ તેમજ શર્માજીએ વિજયભાઈ કોશીયાને ચોખા બજાર કરતા સસ્તા ભાવે ખરીદવાની પહેલેથી જ લાલચ આપી હતી.અને વિજયભાઈને વિશ્વાસ કેળવી ગાંધીધામ બોલાવી 80 ટન ચોખાનો સોદો કરાવી રૂ. 24,60,000નું ગૌરવભાઈ શાહના નવકાર એન્ટર પ્રાઇઝના ખાતામાં પેમેન્ટ કરાવ્યુ હતુ. તેમજ માલ લોડ થયે આરોપીના ખાતામાં રૂ. 1.40 લાખ ટ્રાન્સફર કરવાની પણ વાત થઇ હતી. તેમ છતાં દેવાંગભાઈ પ્રવિણભાઇ દેત્રોજા, કચ્છ ના આદીપુરના ગૌરવભાઈ પ્રકાશભાઈ શાહ, મુંદ્રાના મોટા કપાયના રાજુભાઈ પટેલ તેમજ શર્માજીએ ચોખા આપ્યા ન હતા. અને વિજયભાઈ સાથે વિશ્વાસઘાત તેમજ રૂ. 24.60 લાખની છેતરપિંડી કરી હતી.આ બનાવમાં જોરાવરનગર પોલીસે મદાવાદના દેવાંગભાઈ પ્રવિણભાઇ દેત્રોજા, કચ્છ ના આદીપુરના ગૌરવભાઈ પ્રકાશભાઈ શાહ, મુંદ્રાના મોટા કપાયના રાજુભાઈ પટેલ, શર્માજી તેમજ તપાસમાં ખૂલ્લે તે તમામ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.