બનાસકાંઠા જિલ્લાની એક પરિણીતા મૈત્રી કરાર કરી અન્ય યુવક સાથે રહેતી હતી. જેને પરત લાવવા તેણીના પતિએ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટના આદેશથી બંને જણાં શુક્રવારે કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. તે સમયે યુવતીના પિયર તેમજ અગાઉના સાસરીના લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. આ બાબતે ગણેશભાઇ જુડાલે (પ્રમુખ, બાર એસો. પાલનપુર) કહ્યું હતું કે, ન્યાયસંકુલમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ગઇ છે. ત્યારે જિલ્લા પોલીસવડાની કચેરી નજીક કાયમી પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તો તુરંત ઘટનાઓ બનતી રોકી શકાય.
પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં શુક્રવારે બપોરે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોના ટોળાએ યુવક- યુવતી ઉપર હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતા મૈત્રી કરાર કરી અન્ય યુવક સાથે રહેતી હતી. જેને પરત લાવવા પતિએ કોર્ટમાં અપિલ કરી હતી. આથી કોર્ટના આદેશથી બંને જણાં શુક્રવારે કોર્ટમાં હાજર થવા આવ્યા હતા.
તે સમયે યુવતીના પિયર તેમજ અગાઉના સાસરીના લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. લોકોનું ટોળું હોબાળો કરી લિગલ એન્ડ ડીફેન્સ કાઉન્સિલની ઓફિસમાં ઘુસવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, પશ્વિમ પોલીસ મથક, એલસીબી સહિતની ટીમો દોડી આવી યુવક- યુવતીને રક્ષણ આપી કોર્ટમાંથી બહાર લઇ જવામાં આવતાં મોટી ઘટના બનતા રહી ગઇ હતી. જોકે, અસિલોને પોલીસ રક્ષણ આપવામાં નિષ્ફળ નિવડી હોવાના પણ આક્ષેપો થયા હતા. આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.