ડીસા તાલુકાના જાવલથી ફાગુદરા જવાના માર્ગ પર રોબસ પાસે રોડ પરના નાળા આજુબાજુના ખેડૂતોએ બંધ કરી દેતા વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેતા માર્ગ બંધ થઈ ગયો હતો. ત્યારે લોકોની ફરિયાદને પગલે આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોલીસની ટીમ સાથે સ્થળ પર પહોંચી જેસીબી મશીન દ્વારા નાળા ખુલ્લા કરાવ્યા હતા.

ડીસા પંથકમા અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ધરકાવ થઈ ગયા હતા. ત્યારે જાવલથી ફાગુદરા જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ રહેતા સરકાર દ્વારા મોટા નાળા નાખી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ આજુબાજુના કેટલાક લોકોએ આ નાળા પૂરી દેતા વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેતા લોકોના અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો હતો. સ્થાનિક ખેડૂતો, વાહન ચાલકો અને પશુપાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

જે મામલે સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ લેખિત રજૂઆત કરતા આજે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત ડીસા તાલુકા પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચ્યા અને જેસીબી મશીન દ્વારા તમામ નાળાઓ ખુલ્લા કરાવ્યા હતા. નાળા ખુલ્લા કરાવતા જ સ્થાનિક લોકો અને અવર-જવર કરતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. અગાઉ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અહીં પાંચથી વધુ ગામને જોડતો માર્ગ બંધ થઈ જાય છે અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે એકશન લેતા ગ્રામજનોએ તંત્રનો આભાર માન્યો હતો.