ડીસામાં ગઈકાલે સાંજે સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી એક મકાન અને ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસે કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ગઈકાલે ડીસામાં બુટલેગરો પર તવાઈ વરસાવી હતી. ટીમને ખાનગીરાહે માહિતી મળતા જ તેમને ડીસાના રિશાલા બજારમાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળતા જ એક ઘરમાં પહોંચી તપાસ કરતા કમલેશ કાનુડાવાલા નામનો શખ્સ મળ્યો હતો. તેના ઘરની તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી પોલીસે કમલેશની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેને શ્યામ બંગ્લોઝ પાસે તેના સાગરીતને ત્યાં દારૂ હોવાની માહિતી આપી હતી.
ટીમે ઝડપાયેલા શખ્સ સાથે શ્યામ બંગ્લોઝ પાસે પહોંચી હતી. તે સમયે શ્યામ બંગલોઝના કોમન પ્લોટમાંથી પંકજ જોશી નામનો યુવક કાર લઈને ભાગવા જઈ રહ્યો હતો. જો કે પોલીસે તેને પકડી લઇ સ્વીફ્ટ કારમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાડીની તપાસ કરતા તેના પર ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવી વેચતા હોવાનું જણાયું હતું.