અમરેલીની મિતિયાળા શાળાની મુલાકાતે શિક્ષણ રાજ્યમંત્રી : "રઘુ રમકડાં"ના વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠિ..શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મંત્રી પાનસેરિયા બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. તેમણે બાળકો સાથે ચર્ચા કરી અને ગીતો પણ સાંભળ્યા. "રઘુ રમકડું" નામથી જાણીતા શિક્ષક રાઘવભાઈ કટકિયાના વર્ગખંડમાં મુલાકાત લઈ બાળકો પાસેથી શિક્ષક અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો."રઘુ રમકડું" એટલે કોણ..મિતિયાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઘવભાઈ કટકિયા "રઘુ રમકડું"ના હુલામણાં નામથી ઓળખાય છે. તેઓની બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ ખૂબ અનોખી છે. બાળકો સાથે બાળક બનીને કાર્યમાં એકરસ થઈ સરળ રીતે તેઓ બાળકોને દરેક બાબતો શીખવાડે છે. અનેક શાળાઓમાં તેઓ આ અંગેનું શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. તેઓની આ પદ્ધતિના કારણે શાળામાં બાળકોની હાજરી વધુ જોવા મળે છે.શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક રઘુભાઈની પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્ય બળવંતભાઈ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.