રાજ્યમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પાલનપુરમાંથી આજે કંઇક આવાં જ દૃશ્યો સામે આવ્યાં છે. જ્યાં શેરીમાં ઊભેલા એક બાળકને ગાયે શિંગડે ચડાવીને રગદોળી નાખ્યો હતો. જોકે, સ્થાનિકો દોડી આવતાં બાળકનો જીવ બચી ગયો છે. ગાયે બાળકને રગદોળ્યો એના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે જોવા મળી રહ્યો છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ મહામુસબીતે બાળકને છોડાવ્યું હતું, જેના સીસીટીવી સામે આવ્યા છે.

સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે મહિલાઓ સાથે એક બાળક શેરીમાં જઇ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક ગાય આવે છે. જે પ્રથમ મહિલાને અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મહિલા લાંબો હાથ કરતાં અને ખસી જતાં ગાય આગળ નીકળી જાય છે. ત્યારે બાળક શેરીની એક બાજુની દીવાલને અડીને ઊભો રહે છે. જોકે, આગળ ગયેલી ગાય પરત આવીને બાળકને શિંગડે ચડાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પડી જાય છે. જોકે, માંડ માંડ ઊભો થઇને બીજી તરફની દીવાલે જાય છે. પણ ગાય પાછળ જ પડી હોય છે. અંતે બાળક પડી જાય છે અને શિંગડે ચડાવ્યા બાદ બાળકને રગદોળે છે.

બાળકને ગાય પગથી રગદોળતી હોય છે ત્યારે મહિલાઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, નાકામ રહે છે. જેથી મહિલાઓ બૂમાબૂમ કરે છે, જે સાંભળીને આજુબાજુના સ્થાનિકો દોડી આવે છે અને ગાયની ચુંગાલમાંથી બાળકને માંડ માંડ છોડાવે છે. સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ બાળક મોતના મુખમાંથી બહાર આવતો હોય એવું લાગે છે. જો થોડી વાર માટે પણ સ્થાનિકો દોડી ન આવ્યા હોત તો આ ઘટનામાં બાળકનો જીવ જઇ શકતો હતો. જોકે, સદનસીબે બાળકનો જીવ બચી જાય છે.

આ અંગે સ્થાનિક અગ્રણી સીતાબ કાદરીએ જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ વધવા પામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ માર્ગો પર, હાઇવે પર ઢોર અડિંગો જમાવીને બેઠાં હોય છે. જેને લઇને ટ્રાફિકની પણ સમસ્યા થાય છે. રખડતાં ઢોરોએ શિંગડે ચડાવ્યાના ઘણા બનાવો બન્યા છે.

જેમાં કેટલાક મોતને ભેટ્યા છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બાબતે નગરપાલિકા, નગર સેવકો બધાને રજૂઆત કરવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી પગલાં ભરે નહીંતર શાળાએ જતાં બાળકો અને વડીલો માટે રસ્તા પર ચાલવું ખૂબ જ મુશ્કેલ બની જશે.

બીજી તરફ આજે જિલ્લાના ધાનેરામાંથી પણ આખલાનો આતંક સામે આવ્યો છે. ધાનેરામાં ભરબજારે બે આખલા યુદ્ધે ચડ્યા હતા. ભીડભાડવાળા વિસ્તારમાં આખલાઓ દોડતાં અને બાદમાં શિંગડા યુદ્ધ કરતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે સ્થાનિકો આ સમસ્યામનો અંત લાવવા તંત્રને માંગ કરી રહ્યા છે.

પાલનપુરમાં રખડતા ઢોરોના ત્રાસના આ દૃશ્યો પહેલીવાર સામે નથી આવ્યા અગાઉ પણ ઘણા લોકોના જીવ ગયા છે. પાલનપુરમાં એકાદ વર્ષ પહેલાં રખડતા પશુના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. એ બાદ થોડા મહિના પહેલાં એક યુવાનને રખડતા પશુએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરમાં યમરાજ બનીને ફરતાં રખડતા ઢોરોને પાંજરે પૂરવા અવાર નવાર રજૂઆતો કરાઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી.