ડીસામાં જજના બંગલા આગળ પાર્ક કરેલી કારની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે અઠવાડિયા બાદ ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી CCTVની મદદથી ચોરની શોધખોળ હાથ ધરી છે.
ડીસાની ગુલબાણીનગર ભાગ-1માં રહેતા રામનરેશ કેવટ, સરકારી હોસ્પિટલની સામે બજરંગ જ્યુસ સેન્ટર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 21 જુલાઈના રોજ દિવસ દરમિયાન જ્યુસ સેન્ટર પર કામ કરી રાત્રે જ્યુસ સેન્ટરની બાજુમાં જજના બંગલા આગળ તેમની કાર પાર્ક કરી ઘરે ગયા હતા. રાબેતા મુજબ સવારે જ્યુસ સેન્ટર પર આવી જોતા કાર દેખાઈ ન હતી. જેથી તેમણે તરત જ CCTV ચેક કરતા કોઈ અજાણ્યો શખ્સ કારની ચોરી કરી જતો હોવાનુ સ્પષ્ટ દેખાયુ હતું.
CCTVમાં કોઈ અજાણ્યો શખ્સ રીક્ષામાં બેસી તેમના જ્યુસ સેન્ટર પાસે આવે છે અને ત્યારબાદ કારની ઉઠાંતરી કરી ત્યાંથી નાસી જાય છે. જેથી કાર માલિકે અઠવાડિયા સુધી કારની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કારનો કોઈ જ અતોપતો ન મળતા આખરે તેમણે ફરિયાદ નોંધવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.