ડીસામાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે કણઝરા ગામે વીજળી પડતા બે પશુઓના મોત થતા પશુપાલકોને મોટુ નુકસાન થયું છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ખેતીમાં તો નુકશાન થયું છે, પરંતુ સાથે સાથે બદલાયેલા હવામાનને પગલે પશુપાલકોને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

ત્યારે ડીસા તાલુકાના કણઝરા ગામમાં પણ આજે વરસાદ દરમ્યાન વીજળી પડતાં ગામના પશુપાલક અશોકજી ઠાકોરની બે ભેંસોના મોત નિપજ્યાં છે. ગાજવીજ સાથે થયેલા વરસાદ દરમ્યાન તેમના ઘરની બહાર બાંધેલી બે ભેંસો પર અચાનક વીજળી પડતાં આ બંને ભેંસોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે.

આ ભેંસોના મોત થતાં પશુપાલક અશોકજી ઠાકોરને અંદાજિત દોઢ લાખનું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ખેતીમાં નુકસાન અને બીજી તરફ પશુઓના મોત થતાં પશુપાલક પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સરકાર દ્વારા પશુપાલકને પશુ મોત મામલે સહાય ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત પરિવારની માંગ છે.