પાલનપુર તાલુકાના કુશકલ ગામે ખેતરમાં બાંધેલ બે ગાયોની ચોરી થઈ હતી. જે અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે આ પશુ ચોરને ઝડપી લેવા સધન તપાસ હાથ ધરી હતી. જેમાં કુશકલમાં ગાયોની ચોર કરનાર અને સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવતી પશુચોર ટોળકીને વડોદરાથી ઝડપી પાડી છે. આ ટોળકી રાજ્યના જુદાજુદા 24 સ્થળો પર રાત્રિના સમયે બાંધેલ પશુઓની ચોરી કરી હોવાની કબૂલાત કરતા ત્રણ આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ કુશકલ ગામે પશુ પાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા મહિલા નીરૂબેન હસમુખભાઇ જુડાલ (ચોધરી)ના ખેતર બાંધેલ બે ગાયોની ગત.13 જુલાઈની રાત્રે ચોરી થઇ હતી જેને લઇ આ મહિલાને ગઢ પોલીસ મથકે રૂ.1.20 લાખની કિંમતની બે ગાયોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેને લઇ ગઢ પીએસઆઈ એસ.બી.રાજગોર ગાયો ચોરી જનાર પશુ ચોરને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી ને હાઇવે પર લગાડેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક ડાલામાં બે ગાયો લઇ જવામાં આવી હોવાનું માલુમ પડતાં ડાલાનો નંબરના આધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા માં ઓચિંતી રેઇડ કરી ડાલાના માલિક ગણેશ ઉર્ફે ગણાભાઈ રણછોડભાઈ રબારી હાલ રહે પોર નવી નગરી ભરવાડ વાસ જી.વડોદરા મૂળ રહે. પાંસવાળ તા.દાંતીવાડા વાળા ને ઝડપી પાડી તેની કડક પૂછપરછ કરતા તેને જયેશ રમણભાઈ રાઠોડ રહે.પોર નવી નગરી જી.વડોદરા મૂળ રહે. પાતરવણી જી.વડોદરા અને સચિન પ્રકાશભાઈ રાઠોડ હાલ રહે.પોર નવી નગરી જી.વડોદરા મૂળ રહે. ચોલાદ જિ.ભરૂચ વાળા સાથે મળીને કુશકલ ગામેથી બે ગાયોની તેમજ રાજ્યના વિવિધ 24 જગ્યાએથી પશુઓની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરી કરાયેલ બે ગાય,ડાલું અને મોબાઈલ મળી 4.20 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ પશુ ચોરની અટકાયત કરી તેમની વધુ પુછતાછ માટે તેમના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.