મહેસાણામાં પોલીસના નામનો ખોટો દૂરઉપયોગ કરી મોઢેરા ચોકડી પર આવેલા બસ ડેપોના કંટ્રોલર સાથે છેતરપિંડીની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મહેસાણા હેડ ક્વાટરના ASI તરીકેની ઓળખ આપી પોલીસે જપ્ત કરેલા વાહનોની હરાજી કરવાના નામે ડેપો કંટ્રોલર પાસેથી SPના નામનો મેસેજ બતાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણાના બી ડિવિઝનમાં દાખલ થઇ છે. 

ફરીયાદની વિગતો મુજબ, મહેસાણાના મોઢેરા ચોકડી પર આવેલા બસ ડેપોમાં 10 મહીનાથી કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્વ જ્યસ્વાલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ 15 દિવસ પહેલા એક અજાણી વ્યક્તિ પાલનપુરની બસમાં અપડાઉન કરતો હતો. તે દરમિયાન બસની રાહ જોતા મારા પાસે આવી બેસતો હતો. આ વ્યક્તિ પોલીસના લોગોવાળી ટી-શર્ટ, ખાખી પેન્ટ અને પોલીસના બૂટ પહેરતો હતો અને પોતાની ઓળખ સચીન જોષી પોલીસ હેડ ક્વાટર પર ફરજ બજાવતા ASI તરીકે આપતો હતો.

પરીચય કેળવાયા બાદ સચિન જોષીએ ઉપેન્દ્વ જ્યસ્વાલને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ચાર વાહનોના ફોટા બતાવી પોલીસ હરાજી કરવાની હોવાની વાત કરી હતી. જો તમારે વાહનો લેવા હોય તો પૈસા જમા કરાવી હરાજીમાં ભાગ લેવો પડશે. આવી વાત કરી ઉપેન્દ્વ જ્યસ્વાલનો ભરોસો  કેળવી સચિન જોષીએ 1 લાખથી વધુની રકમ રોકડ લઈ પોતે જમા કરાવી આપશે તેવું કહી પૈસા લઈ ગયો. ત્યાર બાદ કંટ્રોલરે પોતાના આપેલા પૈસા જમા થઈ ગયા હોય તો પાવતી માગી હતી. જેથી સચીને થોડા ગલ્લા તલ્લા કર્યા બાદ SP MEHSANAનો પૈસા જમા થઈ ગયો હોવાનો ખોટો મેસેજ બતાવ્યો હતો અને એક મહિનામાં ગાડીઓની હરાજી કરવામાં આવશે. બાદમાં અવાર-નવાર સચિન જોષી હરાજી મામલે ફરિયાદી સાથે બહાના આપી સંતાષકારક જવાબ આપતો ન હતો અને હવે પોતાની બદલી અન્ય જગ્યાએ થઈ હોવાનું કહી 1 જુલાઈથી ડેપોમાં આવવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.