લીંબડી હાઈ-વે પર જાખણ ગામ નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક પતિનું મોત થયું હતું જ્યારે પત્ની અને 3 બાળકીને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.લીંબડી તાલુકાના પાણશીણા ગામના હાલ કટારિયા ગામે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં અરવિંદ માથાસુરિયા, પત્ની ગીતાબેન અને પુત્રી રાધે, રાજલ તથા રિંયાસી સાથે બાઈક લઈને ધાર્મિક કાર્ય માટે બોરાણા ગામે ગયા હતા. બોરાણા ગામે ધાર્મિક કાર્ય પૂર્ણ કરી સાંજે લીંબડી ખરીદી કરી હતી. ત્યારબાદ પતિ-પત્ની અને 3 પુત્રી કટારિયા જવા માટે નીકળ્યા હતા. ત્યારે લીંબડી હાઈ-વે પર જાખણના પાટીયા નજીક તેમના બાઈક નજીક ચાલી રહેલા ટ્રક ચાલકે અચાનક કાવુ માર્યું હતું. ટ્રક બાઈક સાથે ટક્કરતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણેય બાળકી અને પતિ-પત્ની નીચે પડી ગયા હતા.અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પાંચેય લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા જ્યાં હાજર ડૉક્ટરે અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. પતિના મોતના સમાચાર સાંભળી ગીતાબેન શોકમાં ગરકાવ થઈ ગયા હતા.અરવિંદભાઈના મોતથી પરિવારનો માળો વિખાઈ ગયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.