ડીસામાં દિન દહાડે સાંઈબાબા મંદિર પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી થઇ હોવાની ઘટના સામે આવે છે. જે મામલે બાઈક માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણી ખાતે રહેતા સંદીપભાઇ શ્રવણભાઇ પરમાર હોલસેલમાં શાકભાજી વેચાણનો વ્યવસાય ધરાવે છે અને તેઓ દારરોજ ઘરેથી આવી તેમનું બાઈક કોલેજ રોડ પર આવેલ સાંઇબાબા મંદિરના ગેટ પાસે પાર્ક કરી પોતાની દુકાને જાય છે.
ચાર દિવસ અગાઉ પણ તેઓ રાબેતા મૂજબ તેમનું બાઈક પાર્ક કરી દુકાને ગયા હતા અને બાદમાં મોડા પરત આવી જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઈક દેખાયુ ન હતું. જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરતા કોઈ જગ્યાએ બાઈકની માહિતી ન મળતા બાઇકની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ત્યારબાદ તેમને તરત જ તેમના સંબંધીને ફોન કરી આ ઘટના મામલે જાણ કરી હતી અને તરત જ તેઓ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા. બાઇક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.