અમદાવાદમાં ગત બુધવારના રોજ એક જેગુઆર કાર ચાલકે બેફામ કાર ચલાવીને 9 વ્યક્તિઓનો જીવ લીધો હતો, આ અકસ્માતના પડઘા અમદાવાદ સહિત આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે હવે ગુજરાતનાં DGP વિકાસ સહાયે ગુજરાત પોલીસને ટ્રાફિક વ્યવસ્થાને લઈને એક સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કર્યો છે. જેને અનુલક્ષીને હવે કડી પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આગામી 1 મહિના સુધી કડીમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેમાં મુખ્યત્વે નશો કરીને વાહન ચલાવનારા, બેફામ વાહન ચલાવનારા અને મોટર વિહીકલ એક્ટનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં રોજબરોજ થતાં રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ પર જે અકસ્માત થયો તેમાં એક નબીરો બેફામ કાર ચલાવી રહ્યો હતો, તેના કારણે 9 લોકોએ એક સાથે જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં FLS રિપોર્ટમાં સામે આવ્યું છે કે આરોપી તથ્ય પટેલ 140 કરતાં પણ વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતની પોલીસ સફાળી જાગી છે અને બેફામ ડ્રાઇવિંગ કરતાં ઓકો સામે કાર્યવાહી કરી રહી છે. આ અકસ્માત બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પણ બેઠકો કરી હતી અને પોલીસને આ અંગે કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.

ધટના બાદ DGP વિકાસ સહાયે ગુજરાત પોલીસને 1 મહીના માટે સ્પેશયલ ડ્રાઈવ યોજી કાયદાનો ભંગ કરનારા પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેના અનુંસધાને કડી પોલીસ હવે નશો કરી વાહન ચલાવનારા લોકો, કાળા કાચ ઘરાવતી કાર, નંબર પ્લેટ વગરના સાઘનો, ફુલ અવાજે મ્યુઝિક વગાડનારા રીક્ષા ચાલકો અને ખાસ સ્ટંટબાજો પર જે રીલ બનાવી વાઈરલ કરી વાહવાહી લૂટે છે. તેવા તત્વો અને કાયદાનો ભંગ કરનાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે કડી પોલીસ ઈન્સપેકટર એન. આર. પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “હાલ કડીમાં વાહનોના ચેકિંગ માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રોજ 5થી 6 વાહનો પકડવામાં આવે છે. કડીના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસ દરેક વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ પણ કરી રહી છે. આ ડ્રાઈવમાં ખાસ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાત્રીના સમયે પણ દડી સર્કલ, હાઇવે ચાર રસ્તા અને અન્ય નક્કી કરેલા પોઈન્ટ તેમજ શહેરમાં પણ ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવશે."