ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે રોડની સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ બાઇકસવાર બે યુવક ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકસવાર બંને યુવક જે સ્થિતિમાં બાઈક પર બેઠા હતા એ જ સ્થિતિમાં ઘટનાસ્થળે જ તેમનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક ટ્રક પાછળ એટલી જોરથી અથડાઈ હતી કે ટ્રક ત્રણ ફૂટ આગળ ખસી ગઈ હતી.
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીસા તાલુકાના નાની આખોલ ગામના વતની, ભોયણ ગામે રહેતા તથા આખોલ ચાર રસ્તા પાસે પાર્લર ચલાવતા સુરેશસિંહ દરબાર (ઉં. વ. 24 ) અને તેમને ત્યાં નોકરી કરતા વિજયસિંહ દરબાર (ઉં.વ. 22 ) રાત્રે ગલ્લો બંધ કરી બાઈક લઈને ઘરે ભોયણ ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એલિવેટેડ બ્રિજ પૂરો થતાં તેઓ અચાનક રોડની સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકસવાર બંને યુવક રોડ પર પટકાતાં લોહીલુહાણ થઈ જતાં જે સ્થિતિમાં બાઈક પર બેઠા હતા એ જ સ્થિતિમાં ઘટનાસ્થળે જ બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
આ બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી અને અદાણી કંપનીની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને આજુબાજુના લોકોનાં ટોળેટોળાં સહિત તંત્રની ટીમો રાહત કામગીરીમાં લાગી હતી. પોલીસે બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડની સાઇડમાં ટ્રક આવીને ઊભી રહે છે અને આ દરમિયાન પાછળથી ડબલ સવારી બાઇકસવાર આવે છે. આ બાઇકસવાર સીધે સીધા ફુલ સ્પીડમાં ટ્રકની પાછળ અથડાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ત્રણ ફૂટ આગળ ખસી ગઇ હતી અને બંને બાઇકસવાર ત્યાં જ મોતને ભેટ્યા. અકસ્માતમાં આશાસ્પદ બંને યુવકનાં મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો.