કડીમાં દિવસેને દિવસે મારા મારી, લૂંટ, ચોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  કડી શહેરના થોળ રોડ ઉપર દશામાના મંદિર વિસ્તાર રાજીવ નગરમાં રહેતા ફુલાભાઇ રાવળ રીક્ષા લઈને તેઓ પોતાના ધંધા અર્થે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરની નજીક આવેલા સરપંચ વિજયભાઈ મફાજીના ઘર આગળ પહોંચતા તેઓએ રિક્ષાને હૉર્ન માર્યો હતો. જે દરમિયાન જીતુ ઠાકોર સહિતના ચાર ઈસમો ત્યાં ઉભા હતા અને ગુસ્સા ભરેલ આંખોથી ફુલાભાઇ સામે જોઈ રહ્યા હતા. કંઈ માથાકૂટ ન થાય તે માટે ફૂલાભાઈએ ત્યાંથી રીક્ષા જવા દીધી અને પોતાના ધંધા અર્થે નીકળી ગયા હતા.

જયારે ફુલાભાઈ રાવળ મોડી સાંજે પોતાના ધંધા ઉપરથી રીક્ષા લઈને ઘરે આવ્યા હતા, ત્યારે ગુસ્સા ભરેલ આંખોથી જોઈ રહેલા જીતુ ઠાકોર સહિતના ચાર ઈસમો તેમના ઘરે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે, 'તારી રિક્ષાનો હૉર્ન કેમ વગાડતો હતો'. તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સમજાવવાની કોશિશ કરતા ચારેય ઈસમો સમજ્યા નહીં અને આધેડ ઉપર તૂટી પડ્યા અને માર મારવા લાગ્યા હતા. આધેડે બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. આથી ચારેય ઈસમો હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આધેડને ઇજાઓ પહોંચતા કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કડી પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.