પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જે બાદ બેચરાજીના પૂર્વ ધારાસભ્ય સહિત ઠાકોર સમાજ આક્રોશ સાથે વડગામ પહોંચ્યો હતો. 24 કલાક બાદ પોલીસ દ્વારા લેખિત બાંયેધરી આપતા લાશનો સ્વિકાર કરાયો હતો. ત્યારે વડગામમાં 19 વર્ષના યુવાનની હત્યાના તમામ આરોપીઓ ઝબ્બે કરાયા હતા. પોલીસ ગણતરીના કલાકોમાં જ છ એ છ હત્યારા આરોપીઓને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના વડગામ ગામે સોમવારે મોડી સાંજે જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાન રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા શખ્સોએ રીવોલ્વર સાથે તલવાર અને ધારીયાના હાથે, પગે, મોંઢા પર અને માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકી સરાજાહેર ધોળા દિવસે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.બાદમાં વિરમગામ હોસ્પિટલમાં મૃતક યુવાનનું પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા બાદ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ આ ઘટનાના પગલે ધ્રાંગધ્રા ડીવાયએપી જે.ડી.પુરોહિત અને ડીએસપી હરેશ દૂધાત સહિતના પોલીસ અધિકારીઓ વડગામ દોડી ગયા હતા અને પરિવારજનોએ આરોપીઓ ના પકડાય ત્યાં સુધી મૃતકની લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં ઘટનાના 24 કલાક બાદ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની 24 કલાકમાં આરોપીઓને ઝબ્બે કરવા સહિતની માંગણીઓ સ્વિકારાતા લાશનો કબ્જો પરિવારજનો દ્વારા સ્વિકારાયો હતો.બાદમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડ, એલસીબી, એસઓજી અને દસાડા પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ હત્યાકેસના છએ છ આરોપીઓ જયદેવભાઇ ગીરીશભાઇ ડોડીયા ( રહે- વડગામ, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર ), પસાભાઇ કુબેરભાઇ ડોડીયા ( રહે- વડગામ, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર ), કુલદીપ ઉર્ફે કાનો પસાભાઇ ડોડીયા ( રહે- વડગામ, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર ), અજયભાઇ ડાહ્યાભાઈ વઢેર ( રહે- એરવાડા, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર ), કુબેરભાઇ ખેંગારભાઇ ડોડીયા ( રહે- વડગામ, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર ) અને નીતાબેન પસાભાઇ ડોડીયા ( રહે- વડગામ, તા-દસાડા, જી-સુરેન્દ્રનગર )ને પાટડી તાલુકાના સુશીયા અને ગોસાણા ગામના સીમ વિસ્તારમાંથી ઝડપી પાડી કોરોના અંગેનો ટેસ્ટ કરાવી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રાના ઇન્ચાર્જ સર્કલ પીઆઇ જે.એસ.ઝાંબરે ચલાવી રહ્યાં છે.