કડીમાં દિવસેને દિવસે મોબાઈલ ચોરીના બનાવવામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરો બેફામ બની તસ્કરી કરી રહ્યા છે. રાત્રિનો ફાયદો ઉઠાવીને અનેક વખત ફોન ઉપર વાતો કરતા જઈ રહેલા રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થઈ જવાના કિસ્સા અનેક સામે આવ્યા છે. રોજબરોજ ચોરીના બનાવવામાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પોલીસની કાર્યવાહી ઉપર અનેક સવાલ ઉભા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યાં વધુ બે મોબાઈલ ચોરીની ઘટનાઓ કડી શહેરની અંદર બનવા પામી છે. કડીના છત્રાલ રોડ ઉપર આવેલા રિયા હોન્ડાઈ વર્કશોપમાં નોકરી કરીને ઘર તરફ રિક્ષામાં બેસીને આવી રહેલી યુવતીનો ફોન બે બાઈક સવારો તેના હાથમાં રહેલા મોબાઈલ ચાલુ રિક્ષામાં ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
જ્યાં બીજી જ ઘટના તે જ છત્રાલ રોડ ઉપર બનવા પામી હતી. યુવક ઘરેથી નીકળીને છત્રાલ રોડ ઉપર આવેલી ચર્મકુંઠ પાસે થઈને હાઇવે ચાર રસ્તા પાસેથી ફોન ઉપર વાતો કરતા પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલા મોઢા પર રુમાલ બાંધેલા બે બાઈક સવારોએ યુવકના હાથમાં રહેલો ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. છત્રાલ રોડ, કરણનગર રોડ, હાઇવે ચાર રસ્તા,નાની કડી રોડ, જેવા જાહેર રસ્તાઓ ઉપર અનેક વખત ચાલતા જતા રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થઈ જતા બાઈક સવાર તસ્કરોના બનાવો સામે આવતા હોય છે.