પાવી જેતપુર નગરમાં સવારે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા

          પાવીજેતપુર નગર તેમજ તાલુકામાં સવારના બે કલાકના ગાળા માં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ના થતાં ઘુટનસમા પાણી થઈ જવા પામ્યા હતા. 

         પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પંથકમાં મળસ્કાથી જ મેઘાની પધરામણી થઈ ગઈ હતી સવારે ૬ થી ૮ ના ગાળામાં ૫૦ એમએમ જેટલો એટલે કે ૨ ઇંચ જેટલો વરસાદ થયો હતો. બે જ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા પાવીજેતપુર નગરના નાની બજારમાં ઘુટન સમા પાણી થઈ જવા પામ્યા હતા. તેમજ પાવીજેતપુર હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

           વરસાદી પાણીનો નિકાલ પંચાયત દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં ન આવવાના કારણે દર વર્ષે નાની બજાર તેમજ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે. નાની બજાર પાસે આવેલું નાળું તૂટી ગયું હોય તેમજ સળિયા બહાર નીકળી જઈ પુરાણ થઈ ગયું હોય તેથી પાણીનો નિકાલ ખૂબ જ ઓછો થઈ ગયો છે તેમજ તારાપુર વિસ્તારના ખેતરોમાંથી પણ વરસાદનું પાણી પુરજોશમાં આવતું હોવાથી સમગ્ર પાણી નાની બજારમાં આવી પહોંચે છે અને નાની બજારમાંથી પાણીનો નિકાલ ખૂબ ઓછો થઈ ગયો હોય તેથી નાની બજારમાં ઘુટણ સમા પાણી થઈ જાય છે. તેમજ જે જુના ઘરો છે તેમાં વધુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. પાવીજેતપુર હાઈસ્કૂલમાં પણ પાણીનો નિકાલ ઓછો હોવાને કારણે પાણી બે દિવસે કમ્પાઉન્ડમાંથી ઓછું થાય છે. 

            આમ, પાવીજેતપુર પંથકમાં સવારના બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા આ અંગે વ્યવસ્થિત આયોજન કરી પાણીનો નિકાલ કરે તેવી પાવીજેતપુર નગરની જનતાની બુલંદ માંગ ઉઠી રહી છે.