પાલનપુરના જીવદયા પ્રેમી ટ્રક ચાલક પાસેથી રૂપિયા લેતો હોય તેવો વીડિયો બે દિવસ અગાઉ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેનાથી લાગી આવતાં આ જીવદયાપ્રેમીએ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા જીવદયાપ્રેમીએ વીડિયો વાયરલ કરી પોતાને બદનામ કરનારા ત્રણ શખ્સોના કારણે આપઘાત કરવાનું કહેતો વીડિયો પણ બનાવ્યો હતો.

પાલનપુરના જીવદયાપ્રેમી સંજય પ્રજાપતિ ટ્રક ચાલક પાસેથી નાણાં લેતો હોય તેવા આક્ષેપ સાથેનો એક વીડિયો બે દિવસ અગાઉ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેનાથી લાગી આવતાં સંજય પ્રજાપતિએ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જે પહેલા સંજય પ્રજાપતિએ પોતાનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે, સોશિયલ મિડીયામાં જે વીડિયો વાયરલ થયો છે. તે તદ્દન ખોટો છે. વીડિયોમાં મારા બાતમીદારે મિઠાઇનું બોક્ષ આપ્યું છે. જો તેમને ગાડીમાં કતલખાનાનો માલ લાગતો હતો તો ગાડી રોકીને ચેક કરી લેવી હતી. ત્રણ શખ્સોએ આ વીડિયો અપલોડ કર્યો છે. જેના કારણે હું મારા પરિવારને મોઢું બતાવવા લાયક રહ્યો નથી. વીડિયોના કારણે લોકો મને ખોટી નજરથી દેખી રહ્યા છે. મે જેટલી કતલખાને જતી ગાડીઓ પકડી ફરિયાદો કરી છે.

એટલી આખા ગુજરાતમાં કોઇએ નહી કરી હોય, રાત્રે ખાટકીઓ અમારા ઉપર હૂમલા કરે છે ત્યારે આ શખ્સો કયાં જાય છે? આવા તત્વોના કારણે મને આઘાત લાગ્યો છે. મને મારવાની ધમકી આપવામાં આવી રહી છે. તેઓ મને મારે એ પહેલા હું મારી જાતે જ આત્મહત્યા કરી લઉ, મને કંઇ પણ થશે તેની જવાબદારી આ વીડિયો અપલોડ કરનારા વ્યકિતની રહેશે.