કડીના માર્કેટયાર્ડ રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટીની દુકાનોમાં ઇલેક્ટ્રોનિકનો વેપાર કરતાં યુવક ઉપર તેની બાજુમાં રહેલા ચાની કીટલી ચલાવતા પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

કડીના મણિપુર ખાતે રહેતા મુકેશભાઈ કે જેઓ માર્કેટયાર્ડ રોડ ઉપર આવેલી શિવ શક્તિ સોસાયટીની દુકાનોમાં ઇલેક્ટ્રોનિકનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. મુકેશ ઇલેક્ટ્રોનિક નામની દુકાનધારકની બાજુમાં આવેલી ચાની કીટલી ચલાવતા અમૃતભાઈ રબારીને અનેકવાર તેઓએ કહ્યું હતું કે, તેમની પાણીની ચકલી બગડી ગઈ છે અને તે પાણી તેમની દુકાન પાસે આવતું હોય અનેકવાર અમૃતભાઈ રબારીને જાણ કરવામાં આવી હતી, પરંતુ અમૃતભાઈ રબારી તે ચકલી રીપેરીંગ કરાવતા ન હોય દુકાન માલિકને જાણ કરી હતી. દુકાન માલિકને જાણ કરાતા ચાની કીટલી ધરાવતા અમૃતભાઈ રબારીએ તેમના દીકરાને જાણ કરીને બોલાવ્યો હતો.

મુકેશભાઈ પોતાની દુકાન ઉપર હાજર હતા ત્યારે ચાની કીટલી ધરાવતા અમૃતભાઈ અને તેમનો દીકરો ત્યાં આવી પહોંચ્યો હતો અને મુકેશભાઈ સાથે બંને પિતા-પુત્ર અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં મુકેશે ગાળો બોલવાની ના પાડતા ચાની કીટલી ધરાવતા અમૃતભાઈનો દીકરો તેમની દુકાનની અંદર ઘૂસી ગયો હતો અને ત્યાં પડેલ રીપેરીંગમાં આવેલો પંખો તેમના માથાના ભાગે માર્યો હતો. તેઓને ઇજાઓ પહોંચી હતી. ઝઘડો થતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને પિતા-પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મુકેશભાઈને લોહી નીકળતું હોય કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી કરી હતી.