મહેસાણા LCBની ટીમે આજે ચોરીની બુલેટ બાઈક સાથે ત્રણ તસ્કરોને ઝડપી લીધા હતાં. 15 દિવસ અગાઉ કડીના બુડાસણ ગામથી તસ્કરોએ મોજ શોખ માટે બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.

મહેસાણા LCB ટીમના માણસો કડી તાલુકામાં પેટ્રોલીગ પર હતાં. એ દરમિયાન HC વિજય સિંહ અને લલાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ત્રણ ઈસમો શંકાસ્પદ બુલેટ બાઈક લઇ કૂંડાળથી નંદાસણ બાજુ જઈ રહ્યા છે. જે બાતમી આધારે મહેસાણા LCB ટીમે રોડ પર વોચ ગોઠવી ત્રણ ઇસમોને ઝડપી લીધા હતાં.

ઝડપાયેલા રાવળ રાકેશ ભાઈ રોહિત ભાઈ, રાવળ નિમેષ ભાઈ ઉર્ફ દિપો જયંતી ભાઈ, ઠાકોર હિતેશજી શંભુજીની પૂછપરછ કરતા આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, પંદર દિવસ અગાઉ કડી તાલુકાના બુડાસણ ગામથી બુલેટની ચોરી કરી હતી.

આ સમગ્ર મામલે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ત્રણ આરોપી 30 જૂન 2023ની રાત્રે બે કલાકે બુડાસણ ગામમા બસ સ્ટોપ પાસે આવેલ ઠાકોર વાસમાં મકાન પાસે પડેલા બુલેટને ચોરી કરવાનું વિચાર્યું હતું. જેમાં આરોપીઓને ચાવી વિના બાઈક ચાલુ કરતા ન અવડતા યુ ટ્યૂબનો સહારો લીધો હતો. યુ ટ્યૂબમાં વીડિયો જોઈ બાઇકની ચોરી કરી હતી. તેમજ પોલીસના જણાવ્યાં પ્રમાણે ઝડપાયેલા યુવકો મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. મોજ શોખ માટે બાઈક ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં પોલીસે બાઈક કબ્જે કરી વધુ તપાસ આદરી છે.