ડીસાની વિરેનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીને તેના સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પાંચ લાખ રૂપિયાના દહેજની માગણી કરી કાઢી મુકી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પીડીતાએ તેના પતિ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાની વિરેન પાર્ક સોસાયટીમાં રહેતી એક યુવતીના લગ્ન સાત વર્ષ અગાઉ સમાજના રિતી રિવાજ મુજબ ધાનેરાના નાનુડા ખાતે રહેતા નરેશ મફાભાઈ નાયી સાથે થયા હતા. નાનુડા ગામે થોડા દિવસ રહ્યા બાદ તેના પતિની વાપીમાં ઇલેક્ટ્રીકની દુકાન આવેલી હોવાથી યુવતી પણ તેના પતિ સાથે ત્યાં રહેવા માટે ગયી હતી. શરૂઆતમાં સારી રીતે વ્યવહાર કર્યા બાદ તેના સાસરિયાંઓએ બાદમાં યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના પિતાના ઘરેથી કંઈજ લાવી નથી તેમ કહી અવારનવાર તેને મહેણા ટોણા મારતા હતા. આ યુવતીના લગ્ન સાટા પદ્ધતિથી થયા હોવાથી તેની નણંદ પણ તેના ભાઈ સાથે ઘર બાંધવાનું સ્પષ્ટ ઇનકાર કરતી હતી.
તેમજ તેની સાસુ, જેઠ-જેઠાણી અને નણંદની ચડામણીથી તેનો પતિ તેની સાથે અવારનવાર મારઝૂડ પણ કરતો હતો. આમ સાસરિયાંઓના ત્રાસથી કંટાળી યુવતી બે વર્ષ અગાઉ તેના પિતાના ઘરે આવી ગઈ હતી. બાદમાં સમાજના આગેવાનોએ યુવતીના સાસરી પક્ષના લોકો સાથે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓએ પાંચ લાખ રૂપિયાની દહેજની માગણી પર અડગ રહ્યા હતા.
બાદમાં નરેશ નાઈ ડીસા ખાતે તેની સાસરીમાં યુવતીના ઘરે આવ્યો હતો. તે સમયે પણ વાતચીત દરમિયાન નરેશ ઉશ્કેરાઈ જઈ યુવતી સાથે મારઝૂડ કરી હતી. જોકે યુવતીના માતા-પિતાએ તેના પતિના વધુ મારમાંથી તેને છોડાવી હતી. આમ સાસરીયાઓના ત્રાસથી અને વારંવાર પાંચ લાખ રૂપિયાના દહેજની માગણી કરતા કંટાળેલી યુવતીએ તેના પતિ, સાસુ, જેઠ-જેઠાણી અને નણંદ સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.