મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરીના કૌભાંડ અંગે આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે દૂધસાગર ડેરીના કૌભાંડ કેસમાં ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરી સહિત દૂધ સાગર ડેરીના નિયામક મંડળોના સભ્યોને પણ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીની દોષિત ઠેરવ્યા છે અને તમામ આરોપીને 7 વર્ષ સજા ફટકારી છે.
મહેસાણાની દૂધ સાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરીને મોટો ઝાટકો લાગ્યો છે. મહેસાણા ડિસ્ટ્રીક કોર્ટે દૂધસાગરમાં થયેલા સાગરદાણ કૌભાંડ અંગે વિપુલ ચૌધરીને દોષિત જાહેર કર્યા છે. વિપુલ ચૌધરીની સાથે દુધસાગર ડેરીના નિયામક મંડળાના સભ્યોને પણ કોર્ટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 4 આરોપીઓને શંકાના આધારે કોર્ટે લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે જુદી-જુદી કલમો હેઠળ વિપુલ ચૌધરી સહિતના 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2014માં દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ અંગે 22 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 22 આરોપીમાંથી 3 આરોપીઓ ચુકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જેથી હવે 19 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.
શું છે સાગરદાણ કેસ
દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ સાગરદાણ અંગે કોઈપણ જાતની મંજૂરી લીધા વીના જ મહારાષ્ટ્રની મહાનંદ ડેરીને મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. વિપલ ચૌધરી પર આરોપ છે કે, તેમને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને સારુ લગાડવા માટે સાગરદાણ મોકલ્યા હતા. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર હતા. સાગરદાણ GMMFCની મંજુરી વિના જ મહારાષ્ટ્ર મોકવામાં આવ્યું હતું અને સાગરદાણ મોકલવાનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવનું આગળ ધર્યું હતું.
દૂધસાગર ડેરીમાં ચૂંટણી લડીને વિપુલ ચૌધરી ચેરમેન બન્યા હતા. 17 ઓગસ્ટ 2018ના દિવસે વિુપલ ચૌધરીને સાગરદાણ કૌભાંડના જવાબદાર ઠેરવાયા હતા. ત્યાર બાદ 30 દિવસમાં વિુપુલ ચૌધરીને રકમ પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે પ્રતિબંધ હોવા છતાં વિુપલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડ્યા હતા અને દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. તેઓ ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા. ચેરમેન બન્યા બાદ તેમને હાઈકોર્ટના આદેશથી બરતરફ કરવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને ગૃહમંત્રી પણ બન્યા હતા.
આ આરોપીઓને કોર્ટે સજા ફટકારી
વિપુલ ચૌધરી
જલાબેન
નિશિથ બક્ષી
પ્રથમેશ રમેશભાઈ પટેલ
રશ્મિકાંત મોદી
જોઈતા ચૌધરી
ભગવાન ચૌધરી
દિનેશ દલજીભાઈ ચૌધરી
ચંદ્રિકાબેન
રબારી ઝેબરબેન
જયંતી ગિરધરભાઈ પટેલ
કરશન રબારી
જેઠાજી ઠાકોર
વીરેન્દ્રસિંહ ઠાકોર
ઈશ્વર પટેલ