થાનગઢ અને મૂળી વિસ્તારમાં ચોરીના બનાવો વધતા બનાવો ને લઇ એલસીબી અને થાન પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં 2 શખસને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં પાલીતાણા, તળાજા, શિહોર, ઉમરાળા, બોટાદ, ગરીયાધાર, પાળીયાદ,જેસર, મોરબી, ભાડલામાં 23 ચોરી કર્યાનું તપાસમાં ખૂલ્યું હતું. જ્યારે અન્ય 3 આરોપીના નામ ખૂલતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. થાનગઢ અને મૂળી વિસ્તારમાં થોડા સમયથી ઘરફોડ અને ચોરીના ગુનાઓ વધતા જતા હતા.જેમાં જિલ્લા પોલીસ વડાએ એક્શન પ્લાન ઘડી આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી.આથી થાનગઢ વિસ્તારમાં થોડા સમયમાં થયેલા 5 ચોરીના ગુનાઓનો અભ્યાસ કરતા એક જ મોડશ ઓપટેન્ડીથી ચોરીના ગુના થતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી થાન અને એલસીબીની ટીમો બનાવી સીસીટીવી, લોકોની પૂછપરછ, ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડવામાં આવ્યા હતા. ચોટીલા જૂના બસ સ્ટેન્ડ પાસેથી રાજુ ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર, અને ભાવનગરના પાલિતાણાથી શક્તિનગરના રણજીત ઉર્ફે બોળીયો રામજીભાઇ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોતે થાન અને મૂળી વિસ્તારમાં ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પૂછપરછમાં તેઓએ પાલીતાણા, તળાજા, શિહોર, ઉમરાળા, બોટાદ, ગરિયાધાર, પાળિયાદ,જેસર, મોરબી, ભાડલામાં 23 ચોરી કર્યાનું કબૂલતા કરી હતી.જેમાં પાલિતાણાના રણજીત ઉર્ફે બોળીયો રામજીભાઇ પરમાર, ચોટીલાના રાજુ ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર, જામનગરના ભરતભાઇ દેવીપૂજક, પાલીતાણા દીનેશભાઇ વાઘેલા ભેગા મળી રાજુ ઉર્ફે રાજેશ તથા દીનેશ વાઘેલા બાઇક લઇ તથા રણજીત અને ભરત કાર લઇ અને અન્યવાહનોમાં ચોટીલા ભેગા થઇ ચોટીલાથી મોટર સાયકલ લઇ થાન, મૂળી વિસ્તારમાં અવરજવર ન હોય તેવા બંધ મકાનને ટાર્ગેટ બનાવી દાગીના, રોકડની ચોરી કરી ચોટીલા રાજુના ઘરે જતા રહેતા. સોના ચાંદીનો માલ જામનગર વેચી તેના પૈસા આવે તેનો ભાગ પાડતા હતા.આરોપી પાસેથી રૂ.3500 રોકડા, મોબાઇલ જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી, થાન પીઆઇ આઇ.બી.વલવી સહિત એલસીબી અને થાન પોલીસ નાનીમોલડી પોલીસ ટીમ જોડાઇ હતી. બનાવમાં સંડોવાયેલા સોની વેપારીને શોધી કાઢી મુદ્દામાલ જપ્ત કરવા અને તપાસમાં ખૂલેલા જામનગરના 2 અને પાલીતાણાના એક શખસને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.