ડીસા તાલુકાના માલગઢ ગામે એક માસ અગાઉ મૃત્યુ પામેલી પત્નીનો વિરહ અને કામના ભારણમાં માનસિક અસ્વસ્થ બનેલા પિતાએ બુધવારે રાત્રે લસ્સીમાં જંતુનાશક દવા આપી હતી. માતા અને પાંચ સંતાનોને પીવડાવી પોતે પણ ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાલનપુરમાં જ્યાં શ્રી આઇસીયુમાં સારવાર ચાલતી હતી ત્યાં દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે તેના દાદી હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે પરિવારના અન્ય સદસ્યો પરથી વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું છે.
ડીસાના માલગઢ ગામે રહેતા નગુભાઈ માલાભાઈ વાલ્મિકીના પત્ની નંદાબેનના અવસાનના વિરહ અને બીજી તરફ કામનું ભારણ રહેતા બુધવારે રાત્રે તેમની માતા જગલબેન મામાભાઈ વાલ્મિકી (ઉ.વ.80), બે દીકરીઓ સેજલ(ઉ.વ.2), તારીકા (ઉ.વ.7) અને ત્રણ દિકરા હિંમત (ઉ.વ.6), સચિન (ઉ.વ.11) અને સાગર (ઉ.વ. દોઢ)ને લસ્સીમાં જંતુનાશક દવા ભેળવીને પીવડાવી દીધા બાદ તેમણે પોતે પણ લસ્સી ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જે બાજુ જિલ્લા કલેકટર અને એસ.પી. ના સહકારથી પરિવારના તમામ સભ્યોને એરોમા સર્કલ ખાતે શ્રી આઇસીયુમાં લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ ડો. કલ્પેશ ગોહેલએ જણાવ્યું હતું કે " બુધવારની રાત્રે તરફડિયા મારતી હાલતમાં રાત્રે અઢી વાગે ડીસાથી લાવવામાં આવ્યા હતા. જેમાં ચાર ની હાલત અત્યંત ક્રિટીકલ હતી. સતત ત્રણ દિવસ સુધી નગુભાઈ અને તેમના બે બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જે પૈકી સાગર નું શનિવારે સાંજે અવસાન થયું છે.
જ્યારે હજુ નગલબેન વેન્ટિલેટર પર છે. ખેતીમાં કીડાઓને મારવા માટે જે દવાનો ઉપયોગ થાય છે તે દવા લચ્છીમાં આપવામાં આવી પરિવારના તમામ સદસ્યોએ પૂરેપૂરી એ લચ્છી પીધી હતી. અને પેટની અંદર એ ઝેર ફેલાઈ ગયું હતું. અત્યંત ક્રિટિકલ હાલત હતી અને આવી સ્થિતિમાં તેમને બચાવવા અમારા માટે ચેલેન્જ હતી અમે લોકો દિવસ રાત મહેનત કરીને પરિવારના અન્ય સદસ્યોને બચાવી શક્યા છીએ."