કડીમાં દિવસેને દિવસે મારામારીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કડી ક્રાઈમનું સીટી બનતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.
ત્યારે કડીની રાજેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ રાજેન્દ્ર વિષ્ણુભાઈ શુક્રવારે સાંજે પટેલ મનીષ વિઠ્ઠલભાઈ સાથે ચાલવા નીકળ્યા હતા ત્યારે પાર્લર પરથી પાણીની બોટલ લઈ પીવા માટે ઊભા હતા. તે સમયે કારચાલકે તેમની આગળ આવીને અચાનક બ્રેક મારતાં તેમણે ઠપકો આપતાં ગાડીચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન કરીને બીજા માણસોને બોલાવ્યા હતા. થોડી વારમાં ઇનોવામાં આવેલા 7 થી 8 શખ્સો પૈકી એકને તકરાર કરનાર ગાડીચાલકે ભાથીભા ઝાલા આવો આ લોકો અમારી સાથે માથાકૂટ કરે છે.
તેમને સીધા કરોનું કહેતાં આ શખ્સો લાકડી અને લોખંડના સળિયાથી માર મારવા લાગતાં રાજેન્દ્રભાઈ અને મનીષભાઈએ બૂમો પાડતાં પટેલ ગુણવંતભાઈ અંબાલાલ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને ગળામાંથી ચાર તોલાનો રૂ.2.40 લાખનો સોનાનો દોરો અને રાજેન્દ્રભાઈના ખિસ્સામાંથી રૂ.2000 લૂંટી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રાજેન્દ્રભાઈએ અજાણ્યા 8 શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.