મહેસાણા : વિજાપુર પંથકમાં એક પરિવારની 17 વર્ષીય સગીરા પોતાના કપડાં અને જરૂરી ડોક્યુમેન્ટ લઇ પરિવારને ઊંઘતા મૂકી ક્યાંક ચાલી જવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ સગા સબધીઓને ત્યાં તપાસ કરવા છતાં સગીરા ન મળી આવતા પાંચમા દિવસે વિજાપુર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
વિજાપુર પંથકમાં 17 વર્ષીય સગીરનો પરિવાર રાત્રે જમી પરવારી સુઈ રહ્યો હતો. એ દરમિયાન સગીરા પણ પરિવાર સાથે ખાટલામાં સૂતી હતી. જોકે રાત્રે અંધારાનો લાભ લઇ સગીરા કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. ત્યારે તેના પિતા રાત્રે 3 કલાકે શૌચ માટે ઉઠ્યા એ દરમિયાન સગીરા ખાટલામાં જોવા ન મળતા પરિવારને ઉઠાડી પૂછપરછ કરી. જોકે સગીરા ક્યાં ગઈ એ કોઈને જાણ નહોતી. બાદમાં પિતા અને માતાએ બાઈક લઇ રાત્રે ગામમાં શોધખોળ આદરી ઘરે પરત આવ્યા અને ઘરમાં તપાસ કરતા સગીરા પોતાના જરૂરિ ડોક્યુમેન્ટ તેમજ થેલામાં કપડાં ભરી લઇ ગઈ હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે સગીરાના ગુમ થયા બાદ પરિવારજનોએ સતત પાંચ દિવસ શોધખોળ આદરી જોકે સગીરા ક્યાંક મળી નહોતી. સગીરાના ગુમ થવા પાછળ પિતાએ એક યુવક સાંમે શંકા હોવાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે પિતાએ સગીરા ગુમ થયાના પાંચમા દિવસે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.