જૂનાગઢ જિલ્લાના કુશળ યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત એકમમાં રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીનાં સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા અને નાયબ મેયરશ્રી ગીરીશભાઇ કોટેચાની પ્રેરક ઉપસ્થિતીમાં ટાટા કન્‍સલ્ટન્‍સી સર્વિસીસ ખાતેની બીપીઓની ૩૦૦ જેટલી ખાલી જગ્યા માટે શ્રી શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતુ.

પ્રસ્તુત ભરતીમેળામાં મહાનગરપાલિકા કમિશ્નરશ્રી રાજેશ તન્ના અને જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજનનું અસરકારક અમલીકરણ હાથ ધરતા જિલ્લાના ૧૫૦થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતીમેળામાં પ્રથમ તબક્કામાં પસંદ્ગી પ્રક્રિયા હેતુ લેખિત કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૩૦ યુવાઓએ સફળતાપૂર્વક કસોટી ઉત્તિર્ણ કરેલ છે. બીજા તબક્કાનું ઇન્‍ટરવ્યુ ઓનલાઇન હાથ ધરવામાં આવનાર છે તેમજ ત્યાર બાદ આખરી પસંદગી મળેલ યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ટીસીએસ એકમ ખાતેથી પસંદગી માટે આવેલ ટીમ સભ્યશ્રીઓ સુશ્રી પૂજા નંદાણીયા, સુશ્રી આયુશ્રી રાવલ, સુશ્રી ધનશ્રી કોઠી અને સુશ્રી અન્‍નુલતા ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હેતુ રોજગાર કચેરી અને મહાનગરપાલિકા કચેરીના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.