મહેસાણા જિલ્લાના સૂરજ ખાતે આવેલ SRPF કેમ્પમાં વડનગરના નિશ્ચય જગદીશભાઈ જાની પોલીસ કોન્સેટબલ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ વિદેશ જવાની ઘેલછામાં તેઓએ 24 અને 25 ત્યારબાદ 26 ડિસેમ્બરની એમ કુલ ત્રણ દિવસની CL લીધી હતી. ત્યારબાદ સતત 6 મહિના સુધી ફરજમાં રજા વિના હાજર નહોતો થયો. તેથી મહેસાણા o.n.g.c. કેમ્પ દ્વારા તેમને વારંવાર નોટિસ મોકલી ફરજ ઉપર હાજર થવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તેઓ ફરજ ઉપર હાજર થયા નહોતા. જેથી નોટિસની બજવણી કરવા ગયેલા કર્મચારી દ્વારા તેમની માતાને તેમના વિશે પૂછપરછ કરતા તેઓને ખબર નહિ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ વાતવાતમાં તેઓ તેમની પત્ની અને બાળકો સાથે વિદેશ જતા રહ્યાં હોવાની વાત જાણવા મળી હતી. ત્યારબાદ તેમનું ફેસબુક સ્ટેટસ જોતા તેઓ વિદેશના ફોટા મૂકતા હોવાથી તેઓ વિદેશમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સૂરજ કેમ્પ o.n.g.c. મહેસાણાના પી.એસ.આઇ. જીવરાજ ચૌધરી દ્વારા તેમના વિરૂદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી તેમજ ફરજમાં મનસ્વી રીતે ગેરહાજર રહી સરકાર વિરૂદ્ધ ગેરવર્તણૂક દાખવી હોવાની ફરીયાદ આપી હતી. જેથી કડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.