ડીસામાં પોલીસ હવે બુટલેગર ઉપર તવાઈ વરસાવી રહી છે. અઠવાડિયા અગાઉ બે બુટલેગરોને તડીપાર કર્યા બાદ આજે વધુ એક બુટલેગર સામે તડીપારની દરખાસ્ત થતાં તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ડીસામાં વધુ એક બુટલેગર સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. ડીસામાં વાદી ટેકરા વિસ્તાર ખાતે રહેતો સાગર બળવંતભાઈ વાદી નામના વ્યક્તિ પર અનેક ગુનાઓ નોંધાયેલા હતા. તેમ છતાં આ આરોપી પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ બંધ ન કરતા શહેર પોલીસ દ્વારા તેના વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષકને મોકલી આપવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષકે આ દરખાસ્તને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલી આપતા તેમણે આરોપી સામે તડીપારની કાર્યવાહી કરી હતી. આરોપી સાગર વાદીને તડીપાર કરતા જ ડીસા શહેર ઉત્તર પોલીસે સાગર વાદીની તાત્કાલિક અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક રીઢા ગુનેગારો પ્રોહીબીશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ બંધ કરતા નથી. તેથી આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી થતી હોય છે. અઠવાડિયા અગાઉ પણ તાલુકા પોલીસે બે આરોપીઓને તડીપાર કર્યા બાદ આજે શહેર પોલીસ દ્વારા વધુ એક આરોપીને તડીપાર કરતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.