લીબડી શહેરમાં 2 દિવસમાં 2 યુવાનોએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. મંગલદિપ સોસા.માં રહેતા 36 વર્ષના યુવકે આર્થિક સંકડામણને કારણે તો મોટાવાસમાં રહેતા આર્થિક સુખી પરિવારના 26 વર્ષના યુવકે ફાંસો ખાઈ બર્થડેના દિવસે જીંદગીથી કંટાળી મોતને વહાલું કરી લીધાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. લીંબડીમાં ચિંતાજનક રીતે વધી રહી આપઘાતના બનાવો લોકો માટે લાલબત્તી સમાન બની ગયા છે.જેનું મનોમંથન કરવું જરૂરી બની ગયું છે.લીંબડી શહેરના મોટાવાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ મકવાણા બેંકમાં અને રાત્રે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેમના પત્ની બેંકમાં નોકરી કરે છે. મોટો પુત્ર આર્મી અને નાનો પુત્ર સંજયભાઈ અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આર્થિક રીતે સુખી કહી શકાય તેમ પરિવાર આનંદથી જીવન પસાર કરતા હતા.5 જુલાઈએ સંજયનો બર્થડે હતો. બર્થડેની પરિવાર સાથે ઉજવણી કરવા તે અમદાવાદથી લીંબડી આવ્યા હતા.5 જુલાઈની સવારે નિત્યક્રમ મુજબ સંજયના માતા-પિતા નોકરી કરવા ગયા હતા. ત્યારબાદ સંજયે ઘરે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં ભારે હ્દયે માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં એએસઆઈ ચંદુભાઈ બાવળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા.સંજયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.લીંબડી હાઈ-વે નજીક આવેલી મંગલદિપ સોસાયટીમાં રહેતા 36 વર્ષના કિશોરભાઈ ધનજીભાઈ વાણેચાને ધંધામાં લાભ થયો નહોતો. જેના કારણે તેઓ થોડા સમયથી માનસિક તાણ સાથે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. કિશોરભાઈના જે ઘરમાં રિનોવેશન કામ ચાલુ ત્યાં તેમને પંખાના હુક સાથે ફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતાં દશરથસિંહ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કિશોરભાઈને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 2 દિવસમાં 2 યુવાનોએ આપઘાત કરી લેતાં લોકોને વિચારતા કરી દીધા છે. લીંબડીમાં જે ચિંતાજનક રીતે આપઘાતના બનાવો વધી રહ્યા છે તે લોકો માટે લાલબત્તી સમાન છે. જેનું મનોમંથન કરવું જરૂરી બની ગયું છેલીંબડીના મોટાવાસ વાડી વિસ્તારમાં યુવાને જન્મદિનના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવકના ખિસ્સામાંથી સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેને પોતાની મરજીથી જીવનથી કંટાળી આત્મ હત્યા કરી લીધાનો ઉલ્લેખ છે પણ યુવાને ગળાફાંસો ખાધો કે પછી તેને કોઈએ ગળેફાંસો ખાઈ લેવા મજબૂર કર્યો તેનું કારણ હજું અકબંધ છે.