અમદાવાદ 

ટોરેન્ટ પાવરના વર્ક ઓર્ડરના કામમાં ખુબ ઉંચુ વળતર આપવાનું કહીને ચાર શખ્સોએ તેના જ પિતરાઇભાઇ સાથે રૂપિયા ૧.૩૧ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. 
ઘુમા વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા રાકેશસિંહ ચાવડા મલ્ટીનેશન કંપનીમાં ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરે છે. રાકેશસિંહ પર તેમના પિતરાઇ ભાઇ યુજવેન્દ્રસિંહ રાજપુત (રહે.રાજલક્ષ્મી સોસાયટી,હર્ષદ સોસાયટી પાસ, બાપુનગર)નો ફોન  આવ્યો હતો.  તેણે જણાવ્યું હતું કે તે વિવિધ ઇલેક્ટ્રીક કંપનીઓના વર્કઓર્ડર  મળ્યા છે. જેમાં રોકાણ કરવામાં અનેક ગણો નફો મળે છે. જેથી રાકેશસિંહે વિશ્વાસ કરીને ડીસેમ્બર ૨૦૧૯માં અઢી લાખનું રોકાણનું પ્રથમ રોકાણ કર્યં હતું. બાદમાં ૨૦૨૦માં ૨૩ લાખ રૂપિયા પણ  રોક્યા હતા.  ત્યારપછી યુજવેન્દ્રસિંહને ત્યાં નોકરી કરતો ધવલ પટેલ (રહે.ગોકુલધામ સોસાયટી, નરોડા) રાકેશસિંહની ઓફિસ પર આવ્યો હતો. ધવલે તેમને ટોરેન્ટ પાવર   કંપનીને ૫.૭૮ કરોડના વર્ક ઓર્ડરની કોપી બતાવી હતી. બાદમાં યુજવન્દ્રસિંહે, તેમના ભાઇ ભુપેન્દ્રસિંહ અને પિતા ભવાનસિંહે તેમને જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવરના આ કોન્ટ્રાક્ટમાં સારૂ વળતર છે. જેથી વિશ્વાસ કરીને રાકેશસિંહ પોતાના ૬૪ લાખ ઉપરાંત, અન્ય મિત્રો અને સગાઓને કહીને કુલ રૂપિયા ૧.૩૧ કરોડનું રોકાણ કર્યું હતું.  જો કે બાદમાં થોડા મહિના પછી રોકાણનું વળતર માંગતા યુજવેન્દ્રસિંહે ૮૩ લાખના વળતર અંગેની નોટ્સ વોટ્સએપ કરી હતી.  પરંતુ, તપાસ કરતા નકલી હોવાનું જણાય આવ્યું હતું.  જેથી ટોરેન્ટ પાવર કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે  કંપનીનો નકલી વર્ક ઓર્ડર બનાવીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરી હતી. જે અંગે બોપલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.