બનાસકાંઠામાં ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં અચાનક ટ્રક(ડમ્પર)નું ટાયર ફાટતા હાઇવે પર પડેલા ટેન્કરને ટકરાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે પડેલા ટેન્કરની પાછળ ટ્રક(ડમ્પર )ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ધોરીમન્ના ખાતે રહેતા જગરામ સતરામ ભીલ તેમની ટ્રક લઈને ભીલડીથી ડીસા તરફ આવી રહ્યા હતા. પૂરપાટ ઝડપે ચાલી રહેલી ટ્રકનું અચાનક આગળનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક સાઈડમાં પડેલા ટેન્કરની પાછળ જઈને ધડાકાભેર ટકરાતા અકસ્માત થયો હતો.

અકસ્માતમાં ટ્રક ચાલક જગરામ ભીલને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી, હાઇવે ટ્રાફિક અને ભીલડી પોલીસ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ક્રેનની મદદથી ટ્રક હટાવી ચાલકની લાશને બહાર નીકાળી પીએમ અર્થે ખસેડી હતી. જે મામલે ભીલડી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.