ડીસા તાલુકાના સોડાપૂર ગામ પાસે મોડી સાંજે બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રત પત્ની અને પુત્રીને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા પથુભાઈ દલિત તેમની પત્ની ગીતાબેન સાથે બાઇક લઈને દીકરીના સાસરે ઓઢવા ગામે ગયા હતા અને ત્યાંથી બાઈક પર દીકરીને તેડી બાઈવાડા તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન તેઓ સોડાપૂર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ અકસ્માત સર્જાયો હતો અને બાઇક સવાર ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં પથુભાઈ રોડની સાઈડમાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રીલ સાથે ટકરાતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
જ્યારે તેમની પત્ની ગીતાબેન અને દીકરીને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.