માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો વન મહોત્સવ યોજાનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના 22 માં સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ કરશે. જે સંદર્ભે આજે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ વટેશ્વર વનની મુલાકાત લઇ તેમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે વન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીશ્રીએ ૧૨ મી ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમ સ્થળની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી રામકુમાર (IFS), અમદાવાદ વનસંરક્ષક શ્રીમતી રાજ સંદીપ, સુરેન્દ્રનગર નાયબ વનસંરક્ષકશ્રી ડી.એફ. ગઢવી તેમજ વન વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.