સુરેન્દ્રનગર જીલ્લાના દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મહામંડલેશ્વર 1008 કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.મનુષ્યના જીવનમાં માતાપિતા સાથે ગુરુનું પણ વિશેષ મહત્વ છે. અને દરેક મનુષ્યમાં સંસ્કારથી લઈને શિક્ષણનુ સિંચન ગુરુ દ્વારા થાય છે. ગુરુની વંદના અને પૂજાનો ખાસ દિવસ એટલે ગુરુપૂર્ણિમા. આજે સમગ્ર દેશની સાથે રાજ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુરુવંદના અને પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, દ્વારકા, વડોદરા સહિતના જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને મહામંડલેશ્વર 1008 શ્રી કનિરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુના ચરણ સ્પર્શ કરી, શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ગુરુપૂજા અને ગુરુવંદના કરી હતી.આજે વહેલી સવારથી જ વડવાળા મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. જ્યારે મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજા, અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. અને સમગ્ર માહોલ જય વડવાળા દેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ તકે કોઠારી મુકુંદરામ બાપુએ રબારી સમાજ સહિત દરેક સમાજને ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી. અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને સમાજ સંગઠીત તેમજ શિક્ષિત બને તેવો સંકલ્પ લીધો હતો.