સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વગડીયા નજીક પોલીસ તરીકે ઓળખ આપીને શ્રમિકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા બે શખ્સોને વાડી માલીક તથા અન્યોએ પકડી લઈને પોલીસને હવાલે કર્યા હતા. તથા કંસાળાનો શખ્સ ભાગી ગયો હતો. મુળી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.વગડીયા ગામે રણછોડભાઈની વાડીમાં ખેતમજુરી કરતા એમ.પી.ના અર્જુનભાઈ તોલસીંગ મચાર તથા તેનો તેર વર્ષનો સાળો વાડીએથી લોખંડનો થાંભલો તથા લોખંડનો રોડીયો મેલડી માતાના મંદીર સામે આવેલા ભંગારના ડેલે વેચવા માટે ગયેલા ત્યાં વજન કરાવતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને સાળા બનેવીને ચોરીનો માલ વેચવા લાવ્યા હોવાનું કહીને દબડાવીને ફોટા પાડયા હતા.સાહેબ પાસે આવવુ પડશે તેમ કહીને ચોરવીરા-કંસાળા રોડ ઉપર લઈ ગયા હતા. જયાં કારમાં બેઠેલા ત્રીજા ઈસમે પોતાની પોલીસવાળાના સાહેબ તરીકે ઓળખ આપીને ચોરીનો સામાન વેચવા લાવ્યા હોવાનું કહીને બનેવીને ફડાકા મારી પોલીસસ્ટેશને લઈ જવાની ધમકી આપી કારમાં બેસાડી દીધા હતા.છુટવુ હોય તો વીસ હજાર રૂા. આપવા પડશે તેમ કહ્યુ હતુ. સાળા-બનેવીએ પૈસા ન હોવાનુ કહેતા ત્રણેય શખ્સોએ તેને ઢીકાપાટુ અને પટ્ટાથી માર માર્યો હતો. બાદમાં સાળા-બનેવીના શેઠ વાડી માલીક રણછોડભાઈનો સંપર્ક કરીને રૂા.વીસ હજાર લઈ ચોરવીરા અને કંસાળા રોડ ઉપર આવવાનું કહેતા રણછોડભાઈ તેમની સાથે હીરાભાઈ ભરવાડ, હરીભાઈ ભરવાડ, અલ્પેશભાઈ રાજપૂત વિગેરેને સાથે લઈ પૈસા આપવા કંસાળા રોડ ઉપર આવ્યા હતા. ત્યાંં તેઓ બાઈક ઉપર આવીને પોતાને પોલીસ કહેતા બે શખ્સોને ઓળખી ગયા હતા.તે બને માનપરનો છગન ભૂપતભાઈ કોળી અને ગઢાદનો નિલેશ મનસુખભાઈ કોળી હોવાનું તથા બન્ને પોલીસવાળા ન હોવાનું કહીને બન્ને પકડી લીધા હતા. જ્યારે કારમાં બેઠેલા પોલીસવાળા સાહેબને જોતા તે કંસાળાનો વેલજી ભીમાભાઈ કોળી હોવાનું અને તે પણ પોલીસનો સાહેબ ન હોવાનું માલુમ પડતા વેલજી કાર લઈને ભાગી ગયો હતો. જ્યારે છગન અને નિલેશને મુળી પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને વેલજીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.