સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ખેતરમાં ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ઊંડા પાણીમાં ડૂબ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આ ચકચારી ઘટના બાદ આઠ કલાકની ભારે જેહમત બાદ બંને યુવાનોની ડેડબોડી કેનાલમાંથી શોધખોળ કરી બહાર કાઢવામાં આવી હતી.આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા કેનાલે ઘટનાસ્થળે એકઠા થયા હતા. જેમાં ધ્રાંગધ્રાના સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા (લાલભા) અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે કેનાલમાંથી બંને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને પરપ્રાંતિય યુવકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આ બંને પરપ્રાંતિય યુવકોના કેનાલમાં ડૂબી જવાની ઘટના બાદ બંનેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.