લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.