પાટડીના છત્રોટ ગામે ખેતરમાં વરસાદના પાણીના નિકાલ બાબતે પારિવારિક ધીંગાણું ખેલાયું હતુ. આ ઝઘડામાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા છત્રોટ ગામના કુલ ચાર લોકો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકામાં છેવાડે આવેલા છત્રોટ ગામ ખેતરમાંથી વરસાદના પાણીના નિકાલ બાબતે ધીંગાણું ખેલાયું હતુ. જેમાં છત્રોટ ગામના મેરુભાઈ છગનભાઈ દેથળિયા દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સીમ ખેતરમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરી ખેતરે કામ કરવા ગયા હતા. ત્યાં મેરુભાઈનો મોટો દીકરો નરસિંહ ઉર્ફે રમેશ તેનો દીકરો જશવંત તથા સંજય અને નરસિંહના પત્ની લક્ષ્મીબેન ચારેય જણા તેઓ પાસે જઈને ખેતર જમીનમાંથી પાણી નિકાલ બાબતે વાત કર્યા બાદ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કરવા લાગ્યા હતા.જેથી નરસિંહભાઈ દ્વારા મેરુભાઈને લાકડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. તથા તેના દીકરા સંજય અને જશવંત દ્વારા પણ ઢીકાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. મેરુભાઈનો દીકરો દીવાન અને પત્ની ગીતાબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ બરડામાં માર માર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા મેરુભાઈને તથા તેઓના દીકરા દીવાનભાઈને વધુ વાગ્યું હોય જેથી સારવાર માટે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યા ડોક્ટર દ્વારા ચેક કરતા ખંભાથી નીચેના ભાગે મેરુભાઈને ફ્રેકચર થયેલ હોવાનું જણાવ્યું હતુ. તથા દીવાનભાઈને ખભાથી નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતુ. જેથી ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું હતુ. જેથી મેરુભાઈ દ્વારા દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસે હાથ ધરી હતી.