ડીસામાં પોલીસ દ્વારા બૂટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુન્હાહિત માનસ ધરાવતા શખ્સોને હદપારી વોરંટ આધારે પકડી પાડી બનાસકાંઠા જિલ્લાની હદમાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ડીસા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાહિત માનસ ધરાવતા શખ્સો વિરૂદ્ધ હદપારીના દરખાસ્તો કરવાનો આદેશ જિલ્લા પોલીસ વડા અને ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી ડીસા રૂરલ પીઆઇ એસ.એમ. પટણી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના એક જ પ્રકારના ગુનાહિત પ્રવૃતીઓ ધરાવતા માનસવાળા શખ્સોની હદપારી દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી. આજે તે દરખાસ્ત નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ મારફતે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી.

જેમાં સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીઓ રાયમલસિંહ ઠાકોર તથા ધનુજી ઉર્ફે ગુનીયો ઠાકોર નામના બંનેને બનાસકાંઠા જિલ્લામાંથી છ માસ માટે હદપારી કરવાનો હુકમ કર્યો હતો.

તડીપારનો હુકમ થયા બાદ ડીસા રૂરલ પોલીસ મથકના સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, વિજયસિંહ ,પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ, મુકેશભાઈ, ભુપતભાઈ અને રમેશભાઈ દ્વારા બંને શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેઓને હદપારી વોરંટની બજવણી કરી તેઓને બનાસકાંઠા જિલ્લા બહાર તગેડી દેવામાં આવ્યા હતા.