ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ હાલ મીડિયા પર ભારે નારાજ છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને બેજવાબદાર ગણાવ્યાના થોડાક જ સમયમાં સુપ્રીમ કોર્ટના વધુ એક ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયા પર આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, ન્યાયાધીશોને ટાર્ગેટ કરવાની પણ એક હદ હોય છે.
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયાના રિપોર્ટિંગ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશો દ્વારા કેસોની સુનાવણી નહીં કરાવા સંબંધે એક મીડિયા રિપોર્ટથી તેઓ નારાજ થઈ ગયા હતા. હકીકતમાં વકીલ તરફથી મેન્શન એક કેસમાં માગ કરાઈ રહી હતી કે ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસા અને હુમલાઓ સામે દાખલ કેસને લિસ્ટિંગ કરવામાં આવે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા કે આ કેસને સુનાવણી માટે લેવાયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું, જજોને એક બ્રેક આપો. હું કોરોનાથી પીડિત હતો અને તેથી કેસ પેન્ડિંગ હતો. મેં સમાચાર વાંચ્યા કે જજ આ કેસની સુનાવણી નથી કરી રહ્યા. અમને ટાર્ગેટ કરવાની પણ એક મર્યાદા હોય છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ૧૫ જુલાઈએ સુનાવણી થવાની હતી, પરંતુ બેન્ચ ઉપલબ્ધ ન હોવાના કારણે સુનાવણી થઈ શકી નહોતી. આ અરજી બેંગ્લુરુના બિશપ ડો. પીટર મૈકાડો તરફથી આ અરજી કરાઈ છે. તેમનો આરોપ હતો કે દેશભરમાં ખ્રિસ્તી પાદરીઓ અને તેમની સંસ્થાઓ પર હુમલા અને હિંસાની ઘટનાઓ વધી રહી છે.
તાજેતરમાં જ મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે પણ મીડિયા પર આકરી ટીપ્પણી કરતાં કહ્યું હતું કે આજકાલ એજન્ડા સાથે ડિબેટ થઈ રહી છે. ટીવી મીડિયા અને સોશિયલ મીડિયા તદ્ન બેજવાબદારની જેમ વર્તી રહ્યા છે. અહીં ખોટી માહિતી અથવા અડધી-અધૂરી માહિતી અપાય છે, જે લોકતંત્ર માટે જોખમી છે.