ડીસા તાલુકાના ભડથ ગામે પતિના કુટુંબની એક મહિલા સાથે આડા સંબંધ રાખતો હોવાથી પત્નીએ કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે મરણ જનાર મહિલાના પિતાએ તેણીના પતિ, આડો સંબંધ રાખનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના દિવાનજી પરમાર (ઠાકોર)ની દીકરીના લગ્ન ડીસા તાલુકાના ભડથ ગામના રમેશજી વાઘેલા સાથે 15 વર્ષ અગાઉ થયેલા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર છે.

છેલ્લા ઘણા સમયથી રમેશજી તેમના કુટુંબની એક મહિલા સાથે આડો સંબંધ રાખતા હોવાની જાણ મહિલાને થઈ હતી. જે અંગે મહિલાએ અવાર નવાર તેમના પતિને આ બાબતે રોક્યા હતા. તેમજ સમાજમાં સારું ન લાગે તેમ જણાવતા તેમના પતિ તેઓની મારઝુડ પણ કરતા હતા. જેથી એકાદ વર્ષ અગાઉ આ બાબતે મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

જે સમયે યુવતીના પીયરીયાઓએ જમાઈ રમેશજી ઠાકોર અને તેમની કુટુંબની બહેન બંનેને સમજાવી હવે પછી સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું. જો કે તેમ છતાં તેઓના આડા સંબંધ ચાલુ રહેતા આખરે કંટાળીને મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બાબતે યુવતીના પિતા દીવાનજી પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે તેની દીકરીના પતિ રમેશજી ઠાકોર, અમથુબેન ઠાકોર તેમજ અમથુબેનના પિતા રાજાજી અગરાજી ઠાકોર સામે ગુનો નોંધાવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.