સુરત જિલ્લામાં વિવિધ સ્થળે વરસેલા વરસાદના પગલે સૌથી વધુ કામરેજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાંની ઘટના સામે આવી હતી.વરસાદને પગલે પરબ ગામે આવેલી રાજીવ નગર વસાહત વિભાગ-2 મા આવેલા હળપતિ વાસ ખાતે રહેતા સુનિલભાઈ ધનસુખભાઈ રાઠોડના ઘરના સિમેન્ટના પતરા તુટી ગયા હતા.જ્યારે બીજી ઘટનામાં કામરેજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટી સામે મામા દેવ મંદિર રોડ પર આવેલા સાઇ મિલન રો હાઉસની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં બાજુના શેરડીના ખેતરમાં જઈ પડી હતી.સાઇ મિલન રો હાઉસમાં આવેલા ગાર્ડનને કવર કરતી દિવાલ તેની બાજુના ખેતરનું લેવલ નીચે જતા વરસાદમાં માટીના ધોવાણના પગલે અંદાજિત 12 ફૂટ ઊંચાઈ અને સો ફૂટ લંબાઈ ધરાવતી દિવાલ વરસાદના પગલે ધરાશયી થઇ જવા પામી હતી.જ્યારે બીજી ઘટનામાં કામરેજના પરબ ગામે આવેલા હળપતિ વાસ રાજીવ નગર - 2 માં રહેતા વ્યક્તિના ઘરના સિમેન્ટના પતરાને નુકશાન થયું હતું.જે બંને દુર્ધટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.