ચોટીલા પંથકમાં અનરાધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચોટીલામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જ્યારે ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાયાં હતા. જ્યારે અમુક ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હોવાથી વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા. ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી.ત્રિવેણી ઠાંગા ડેમના સેક્શન ઓફિસરની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામા પડેલા વરસાદના કારણે ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલા ત્રિવેણી ઠાંગા ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી 208 મીટર છે, જેમાંથી 207.15 મીટર ડેમ ભરાઇ ગયો છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે, જેથી ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા તથા માલ મિલ્કત માલઢોરને સલામત સ્થળે લઈ જવા તાકીદ કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ચોટીલામાં 137 મી.મી., સાયલામાં 59 મી.મી., લખતરમાં 47 મી.મી., થાનગઢમાં 31 મી.મી., ચોટીલામાં 137 મી.મી., ધ્રાંગધ્રામાં 15 મી.મી. અને દસાડામાં 13 મી.મી.વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સીઝનના કુલ 1442 મી.મી.વરસાદ સામે અત્યાર સુધીમાં 24.05 % એટલે કે 320 મી.મી.વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ચોટીલા પંથકમાં અત્યાર સુધીમાં 36.39 % લેખે 246 મી.મી.અને સાયલા પંથકમાં અત્યાર સુધીમાં 34.55 % લેખે 189 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. અને જિલ્લામાં સૌથી ઓછો વરસાદ લીંબડી પંથકમાં 17.30 % લેખે 109 મી.મી.અને દસાડા પંથકમાં 17.60 % લેખે 101 મી.મી.વરસાદ નોંધાઇ ચૂક્યો છે.