કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર વાહન ચોરીની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી હતી. ગઠિયાઓ પોલીસના કોઈ પણ ડર વિના બેખોફ ધોળા દિવસે ચોરીના બનાવ બનતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. ત્યારે ફરી એકવાર કડીના છત્રાલ રોડ ઉપર પાંજરાપોળ નજીક આવેલી હોટેલના નીચે પાર્ક કરેલું એક્ટીવા ચોરી થયાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
કડીના જનત સિટીમાં રહેતા તબસ્સુબીબી કુરેશી આજથી ચાર વર્ષ પહેલા એક્ટીવાની ખરીદી કરી હતી અને તેમના ભાઈ તોફિક પરમાર વાપરતા હતા. તોફિક પોતાના અંગત કામ સારું જુના સરકારી દવાખાના પાસે ગયો હતો. ત્યાં તેમના મિત્ર માળી રાજુભાઈએ એક્ટીવા માગ્યું હતું અને રાજુભાઈ ટિફિન લેવા માટે પાંજરાપોળ નજીક આવેલી મોડેસ્ટ હોટલ ખાતે ગયા હતા અને હોટલની નીચે એક્ટીવા પાર્ક કર્યું હતું. જે દરમિયાન રાજુભાઈ ટિફિન લઈને નીચે આવતા જોયું એક્ટીવા મળી આવ્યું ન હતું. જે બાદ રાજુભાઈએ તેમના મિત્ર તોફિકને જાણ કરી હતી અને તોફિક પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એક્ટીવાની શોધ કોણે હાથ ધરી હતી, પરંતુ એક્ટીવા ન મળતા તોફીકે તેમની બેનને જાણ કરી હતી અને ભાઈ બહેન કડી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. એક્ટીવા ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
કડીના છત્રાલ રોડ ઉપર પાંજરાપોળ નજીક આવેલા મોડેસ્ટ હોટેલની નીચે પાર્ક કરેલું એક્ટીવા ચોરાઈ જતા તોફીકે અને રાજુએ બાજુમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી. જ્યારે તસ્કર થોડી સેકન્ડ એક્ટીવાની આજુબાજુ ફરે છે અને એક્ટીવાની ઉપર બેસીને એક્ટીવાના સ્ટીયરિંગને લાત મારી લોક તોડી ફરાર થઈ જાય છે. જ્યારે બીજો ઈસમ એક્ટીવાને લાત મારી બંને ઈસમો ચોરી કરી ફરાર થઈ જાય છે. જ્યારે તોફીકે સીસીટીવી ફૂટેજ લઈને પોલીસને આપ્યા હતા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.