પાલનપુરમાં એક જ્વેલર્સ માલિકને લૂંટવાનું કાવતરું રચનાર ટોળકીને ડીસા પોલીસે ઝડપી પાડ્યા બાદ તેઓની તપાસ કરતા ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર નીકળ્યા છે. આરોપીઓ સામે મારામારી, હથિયાર, લૂંટ અને ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. જેમાંથી એક આરોપીની તપાસ માટે પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે.

ચાર દિવસ અગાઉ ડીસાના નહેરુનગર વિસ્તારમાંથી ડીસા શહેર ઉત્તર પોલીસની ત્રણ શખ્સોને એક દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સો હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર અને વિષ્ણુ ઇશ્વરજી ઠાકોર પાલનપુરની સબજેલમા હતા. ત્યારે પાલનપુરના રહેવાસી ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી અને મધ્યપ્રદેશના જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના સાથે મુલાકાત થઈ હતી. જેલમાજ પાલનપુરના એક જ્વેલર્સના માલિકને ઘરેથી નીકળતી વખતે તેના પર હુમલો કરી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે પોલીસે આ ટોળકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ તમામ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓને પકડ્યા બાદ ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની તપાસ કરી તો ઝડપાયેલા આરોપીઓમાંથી હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી પર મારામારી, આર્મ્સ એક્ટ, લૂંટ અને ચોરી સહિતના 7-7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ સિવાય અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેથી પોલીસે તમામ આરોપીઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જ્યારે એક ટીમ જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના સાથે મધ્યપ્રદેશ પણ ગઈ છે અને આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ લૂંટ આચારી હોય કે અન્ય કોઈ ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.