ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ત્રણેક માસ અગાઉ નોંધાયેલ છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદમાં નાસતા ફરતા આરોપીની પોલીસે ઝડપી પાડ્યો છે, ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ઇપીકો કલમ 406, 420, 465 467 મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનાના મુખ્ય આરોપી વિઠોદર ગામનો ભુરાભાઈ કાનજીભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી ભાગતો ફરતો હતો. જેથી ડીસા કોર્ટમાંથી આ ગુનાના કામે આરોપી ભુરાભાઈ પટેલનું સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ નીકળ્યું હતું.

આરોપી સામે વોરંટ નીકળ્યા બાદ ડીવાયએસપી ડો.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઇ વી.એમ. ચૌધરી સહિત પોલીસ સ્ટાફે ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી આરોપી ભુરાભાઈ પટેલને ડીસા તાલુકાના પેછડાલ ગામેથી પકડી પાડ્યો હતો. ત્રણ મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને શહેર ઉત્તર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.