કડીમાં બાઇક ચોરીના બનાવોમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને આંતરા દિવસે ફરિયાદો નોંધાતી જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર બાઈક ચોરીની ફરિયાદ કડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પત્નીની સારવાર કરાવવા માટે આવેલા આધેડનું બાઈક હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાઈ જતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાઈક ઉઠાવીને જતો ચોર CCTVમાં કેદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
કડી તાલુકાના વેકરા ગામના વતની ભીખાભાઈ પટેલ ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન ભીખાભાઈ પટેલ તેમના પત્નીની તબિયત નાતંદુરસ્ત હોવાથી તેઓ બાઈક લઈને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને પોતાનું બાઈક ભાગ્યોદય હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરીને અંદર ગયા હતા. જ્યાં તેમના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ભીખાભાઈને કામ હોવાથી તેઓ હોસ્પિટલના પાર્કિંગ ખાતે પહોંચતા તેમનું બાઈક મળી ન આવ્યું હતું. જે બાદ તેઓએ હોસ્પિટલમાં તપાસ કરતા પોતાનું બાઈક ગુમ થયું હોય તેવું માલૂમ થયું હતું અને તેઓએ હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરામાં જોતા ભાંડો ફૂટ્યો હતો. તેઓને માલુમ થયું હતું કે તેમનું બાઈક ચોરાઈ ગયું છે. જેથી તેમણે તાત્કાલિક કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાનું બાઈક ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદ નોંઘીને કાર્યવાહી કરી હતી.